Friday, 15 July 2011

જૈન ધર્મ નું તત્વજ્ઞાન

જૈન ધર્મ નું તત્વજ્ઞાન

        આત્મસાધનામાં જ્ઞાન નું સર્વ પ્રથમ સ્થાન છે.કહ્યું છે કે "પહેલું જ્ઞાન પછી દયા". દયા કોની કરવી ?, કેવી રીતે કરવી ? એ બરાબર જાણવામાં આવે તો દયા બરાબર ઉગી નીકળે. આથી દયા ને બીજું અને જ્ઞાન ને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.


         જેને પોતાનું જ્ઞાન નથી , પોતે કોણ છે ? , શા માટે છે ? , પોતે ક્યાંથી આવ્યો છે ? , વગેરે જાણતો નથી , જેને સ્વ નું જ્ઞાન નથી તે પોતાનું કલ્યાણ કરી શકતો નથી.


         જ્ઞાન અપાર અને અનંત છે. માત્ર કેવળજ્ઞાની જ તે જ્ઞાન ને પામી શકે છે. આવું કેવલજ્ઞાન પામવા માટે સર્વ પ્રથમ "નવ-તત્વ" નું જ્ઞાન હોવું આવશ્યક અને અનિવાર્ય છે. અનંત જ્ઞાન એ "નવ-તત્વ" નો જ બૃહદ વિસ્તાર છે. તેના જ્ઞાન અને સંસ્કાર થી સાધક પોતાના આત્મ નું કલ્યાણ નિ:શંક સાધી શકે છે. આ "નવ-તત્વ" આ પ્રમાણે છે.

૧ > જીવ
૨ > અજીવ
૩ > પુણ્ય
૪ > પાપ
૫ > આશ્રવ
૬ > સંવર
૭ > નિર્જરા
૮ > બંધ
૯ > મોક્ષ



         જૈન ધર્મ કહે છે કે જે આ નવ તત્વ ને જાણે છે , જેને આ નવ-તત્વ માં રસ , રૂચી , અને શ્રધા છે તે જ આત્મ સાધનાનો અધિકારી છે.આવા અધિકારી સાધક ને સમકિતી કે સમ્યગદ્રષ્ટિ કહે છે. નવ તત્વ ના જ્ઞાન અને શ્રદ્ધા ને સમ્યક્ત્વ કહે છે અથવા સમકિતી કહે છે. સમકિતી એ મોક્ષ યાત્રા નું પ્રથમ ચરણ છે. એ ચરણ ઉપડ્યા વિના , સમકિતી ની પ્રાપ્તિ કાર્ય વિના મોક્ષ મળતો નથી.

સંક્ષેપ માં નવ તત્વ

૧ > જીવ તત્વ
        જીવ ને આત્મા કહે છે. તે ચેતનામય અરૂપી સત્તા છે. ચેતનાની ક્રિયા ( ઉપયોગ) એ તેનું લક્ષણ છે. જ્ઞાન, દર્શન, સુખ-દુખ આદિ દ્વારા તે વ્યક્ત થાય છે. જીવ ૫૬૩ પ્રકાર ના છે.
૨ > અજીવ તત્વ
        જેનામાં ચેતના નથી / આત્મા નથી તે અજીવ છે. જડ છે. સદાને સર્વથા તે નિર્જીવ રહેવાથી તે અજીવ કહેવાય છે. અજીવ તત્વ ૫૬૦ પ્રકારના છે.
૩ > પુણ્ય તત્વ
        મન, વચન અને કાયાની શુભવૃત્તિ , શુભ વિચાર અને શુભ આચારની આત્મા જે શુભ કર્મ પુદગલો ને ગ્રહણ કરે છે, તેને પુણ્ય તત્વ કહે છે. પુણ્ય કર્મ નવ પ્રકારે બંધાય છે.
                ૧ > ભૂખ્યા ને જમાડવાથી , સાધુ - સંતો આદિ ને ભિક્ષા આપવાથી. તેને અન્નદાન પણ કહે છે.
                ૨ > તરસ્યા ને પાણી આપવાથી. અથાર્ત જલદાન  થી
                ૩ > વાસણ ના દાન થી
                ૪ > શય્યા મકાન ના દાન થી
                ૫ > વસ્ત્ર દાન થી
                ૬ > મન થી સહુ કોઈ નું યોગ ક્ષેમ વિચારવાથી
                ૭ > ગુણાનુવાદ કરવાથી
                ૮ > જ્ઞાની - ગુણીજનો - તપસ્વી આદિ ની સેવા કરવાથી
                ૯ > સુયોગ્ય ને સુપાત્રનો વિનય બહુમાન કરવાથી
     પુણ્ય કરનાર ૪૨ પ્રકાર ના સુફળ ભોગવે છે.
૪ > પાપ તત્વ
    મન , વચન અને કાયાની અશુભ વૃતિ , અશુભ વિચાર  અને અશુભ આચારથી આત્મા જે અશુભ કર્મ પુદગલોને ગ્રહણ કરે છે તેને પાપ તત્વ કહેવાય છે. પાપ કર્મ ૧૮ પ્રકારે બંધાય છે.
૧ > જીવ હિંસા
૨ > જૂઠ
૩ > ચોરી
૪ > વ્યભિચાર
૫ > સંગ્રહ પર મમત્વ
૬ > ક્રોધ
૭ > માન
૮ > માયા
૯ > લોભ
૧૦ > રાગ ( આસક્તિ )
૧૧ > ઈર્ષા ( દ્વેષ )
૧૨ > કલેશ - કંકાસ
૧૩ > ખોટું આળ
૧૪ > ચાડી ચુગલી
૧૫ > નિંદા - કુથલી
૧૬ > હરખ - શોક ( રતી - અરતિ )
૧૭ > કપટ સહીત જૂઠ
૧૮ > અસત્ય મમતા શ્રદ્ધા ( મિથ્યાત્વ )

આ અઢાર માંથી કોઈ એક કે વધુ નું આચરણ કરવાથી આત્મા પાપ કર્મ થી બંધાય છે. પાપ કર્મ કરનાર ૮૨ પ્રકાર ના કુફળ ભોગવે છે.


૫ > આશ્રવ તત્વ
        જે માર્ગોએ થી આવી ને કર્મ પુદગલો આત્મા ને દોષિત કરે છે તે કર્મ - માર્ગો ને આશ્રવ તત્વ કહે છે.
વહાણ માં છિદ્ર ના હોય તો તેમાં પાણી ભરાતું નથી , પરંતુ છિદ્ર વાળું વહાણ હોય તો તેમાં પાણી ભરાઈ જાય છે તે પ્રમાણે કર્મોને આવવાના છિદ્રો ને આશ્રવ કહ્યા છે. અથાર્ત આશ્રવ એટલે કર્મો ને વહી આવવાના નાળા - ગરનાળા. જીવાત્મા ને ભવસાગર માં ડુબાડી દેતા આશ્રવ ના ૪૨ પ્રકાર છે.


૬ > સંવર તત્વ
        સંવર એટલે રોકવું. જે માર્ગોથી કે નિમિત્તો થી કર્મો આત્મા ઉપર ખડકાય છે તે માર્ગો ને પૂરી દેવા.કર્મ નિરોધ કરવો તે સંવર તત્વ છે. ૬૭ પ્રકાર થી કર્મો નો સંવર થાય છે.


૭ > નિર્જરા તત્વ
         સંવર ના આચરણ થી કર્મો તો આવતા અટકી ગયા પરંતુ આશ્રવ દ્વારા જમા થયેલા કર્મો નો પ્રશ્ન ઉભો રહે છે. આ સંચિત કર્મો નો ક્ષય કરવો તેને નિર્જરા તત્વ કહે છે. નિર્જરા ૧૨ પ્રકાર થી થાય છે. આ બાર પ્રકાર એટલે જૈન ધર્મ ની આહાર સંહિતામાં નિર્દિષ્ટ ૧૨ પ્રકાર નાતપ.

૮ > બંધ તત્વ
        આસ્રવ અને નિર્જરા - આ બે તત્વો ની વચ્ચે ની સ્થિતિ બંધ છે. આત્મા ની સાથે સયુંકત કર્મયોગ્ય  પરમાણુ કર્મ રૂપ માં પરિવર્તન થવાની પ્રક્રિયા ને બંધ તત્વ કહે છે. દુધ માં પાણી , તલ માં તેલ , ફૂલ માં અત્તર રહેલ છે તેમ આત્મા અને કર્મ પુદગલ એકમેક માં બંધાઈ રહે તેને બંધ તત્વ કહે છે. બંધ તત્વ ચાર પ્રકાર નું છે.

૯ > મોક્ષ તત્વ

        તમામ પ્રકાર ના કર્મો નો ક્ષય થવો તેને મોક્ષ કહે છે. સમ્યક દર્શન , સમ્યગ જ્ઞાન , સમ્યક ચારિત્ર અને તાપ - આ ચાર ના ઉત્કટ અને વિશુધ આચરણ થી મોક્ષ મળે છે. આ નવ તત્વ માંથી
જીવ અને અજીવ તત્વો જાણવા યોગ્ય ( જ્ઞેય ) છે.
પાપ, આસ્રવ , અને બંધ ત્યાગ કરવા યોગ્ય ( હેય ) છે.
પુણ્ય , સંવર , નિર્જરા , અને મોક્ષ - આ ચાર તત્વો આચારણીય (
ઉપાદેય ) છે.

No comments:

Post a Comment