જૈન ધર્મ નું જ્ઞાન - વિજ્ઞાન
જૈન ધર્મ કહે છે કે જે જાણે છે તે આત્મા છે. આત્મા જાણે છે અને જ્ઞાન એ જાણવાનું સાધન છે. કરતા અને કારણ ની અપેક્ષાએ જ્ઞાન અને આત્મા બંને ભિન્ન છે. પરંતુ વાસ્તવ માં જ્ઞાન એ આત્મા નું સ્વરૂપ છે. જ્ઞાન એ આત્મા નો ગુણ છે.જ્ઞેય અને જ્ઞાન બંને સ્વતંત્ર છે. દ્રવ્ય , ગુણ, અને પર્યાય એ જ્ઞેય છે , જયારે જ્ઞાન એ આત્મા નો નીજી ગુણ છે.
પરંતુ જાણવા માત્ર થી જ્ઞાન નથી થતું. જાણવું એ તો પ્રવૃત્તિ કે પ્રયોગ છે. જ્ઞાન ની ક્ષમતા અનુસાર દ્રવ્ય , ગુણ , અને પર્યાય જાની શકાય છે. આ જાણવાના માધ્યમ ઇન્દ્રિય અને મન છે. આ બંનેની શક્તિ માર્યાદિત છે. આથી એક સમયે એક જ પર્યાય ( અંશ ) ને જાણી શકાય છે. પરંતુ અનાવૃત જ્ઞાન ( કેવળ જ્ઞાન) થી એકી સાથે તમામ પદાર્થો ને જાણી શકાય છે.જ્ઞાન ના પ્રકાર
અનાવૃત કર્મ ના આવરણ વિનાનું જ્ઞાન એક છે , તે છે કેવળજ્ઞાન. પરંતુ કર્મ ની આવરણ ની અવસ્થા માં જ્ઞાન ના ચાર પ્રકાર બતાવાયા છે. આવૃત અને અનાવૃત જ્ઞાન મળી ને પંચ પ્રકારના જ્ઞાન છે તે આ પ્રમાણે :
૧ > મતિ જ્ઞાન :પાંચ ઇન્દ્રિય અને મન - આ છ વડે જે જણાય તે મતિજ્ઞાન છે.
સ્પર્શન , રસન , ઘ્રાણ , ચક્ષુ , અને શ્રોત્ર - આ પાંચ ઇન્દ્રિયો છે. તે બહાર ના વિષયો ને ગ્રહણ કરે છે અને જાણે છે , પરંતુ તેની અનુભૂતિ મન કરે છે. મન મનન કરે છે. ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરેલા વિષયો ને જાણવાનું , માનવાનું , અને તેનું મનન કરવાનું એ કામ કરે છે. આ મન સમગ્ર શરીર માં વ્યાપ્ત છે.
ઇન્દ્રિય અને મન ના જાણવા માં આટલો ફરક છે. ઇન્દ્રિયો માત્ર મૂર્ત-દ્રવ્ય ના વર્તમાન પર્યાયને જ જાણે છે. જયારે મન મૂર્ત અને અમૂર્ત બનેના ત્રૈકાલિક અનેક રૂપોને જાણે છે. મન ઇન્દ્રિય ની મદદ વિના પણ જાણી શકે છે.
મન અનેકવિધ રીતે વિચારે છે. વિચાર-પ્રક્રિયા અનુસરે મતિજ્ઞાન ના મુખ્ય ૨૮ ભેદ છે અને વિસ્તારથી તેના ૩૪૦ પ્રકાર છે.
૨ > શ્રુત જ્ઞાન
સાંભળવાથી કે જોવા થી જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન છે. અમુક શબ્દનો અમુક અર્થ થાય છે. આ પ્રકારે વાચ્ય-વાચક નો જે સબંધ થાય છે , તેને શ્રુતજ્ઞાન કહે છે. શ્રુત જ્ઞાન ના ૧૪ પ્રકાર છે. ઉક્ત મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન નો ક્ષીરનીર જેવો ગાઢ સબંધ છે. જગતનો દરેક જીવ આ બે જ્ઞાન ધરાવે છે .
મતિજ્ઞાનના વિવિધ પ્રકારમાં જાતિસ્મરણ જ્ઞાન નો પણ સમાવેશ થાય છે. આ જ્ઞાન થી પૂર્વ જન્મો ની સ્મૃતિ અકબંધ તાજી થાય છે. આ જ્ઞાન થી ઉત્કૃષ્ટાએ ૯૦૦ ભવ જોઈ શકાય છે.
૩ > અવધિ જ્ઞાન
માર્યાદિત ક્ષેત્ર રહેલા રૂપી-મૂર્ત પદાર્થોને ઇન્દ્રિયોની મદદ વિના જાણી શકાય તેને અવધિજ્ઞાન કહે છે. તે ૮ પ્રકાર નું છે.
તીર્થંકરો , દેવતાઓ અને નારકી - આ ત્રણેય ને જન્મતાંની સાથે જ અવધિજ્ઞાન હોય છે. માણસો અને તિર્યંચોને આ જ્ઞાન કર્મોના ક્ષયોપશમ થી થાય છે.
૪ > મન:પર્યવ જ્ઞાન
માણસ જે કઈ મનમાં વિચારે છે, તેને અનુરૂપ ચિંતક - પ્રવર્તક પુદગલ દ્રવ્યોની આકૃતિઓ બને છે. આ જ્ઞાન થી એ પર્યાયો જાણી શકાય છે. મતલબ કે મનના પ્રવર્તક કે ઉત્તેજક પુદગલ દ્રવ્યોને સાક્ષાત જાણનાર આ જ્ઞાન ને મન:પર્યવ જ્ઞાન કહે છે.
આ જ્ઞાન બે પ્રકાર નું છે.
અવધિજ્ઞાન કરતા મન:પર્યવ જ્ઞાનનું ક્ષેત્ર સીમિત છે. પૂરંતુ વિશુદ્ધિ વિશેષ છે. અવધિજ્ઞાન દેવ, મનુષ્ય, તીર્યંચ , અને નરક ચારે ગતિવાળા ને થાય છે. પરંતુ મન:પર્યવ જ્ઞાન માત્ર સાધુને જ થાય છે. અવધિજ્ઞાની રૂપી સુક્ષ્મ પર્યાયો ને જાણી શકતા નથી જયારે મન:પર્યવ જ્ઞાની તે જાણી શકે છે.૫ > કેવળ જ્ઞાન
જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થતા આ જ્ઞાન ઉપલબ્ધ થાય છે. ઇન્દ્રિય અને મન ની મદદની આ જ્ઞાન પ્રાપ્તિ પછી જરૂર નથી રહેતી. કેવળજ્ઞાની લોક અને અલોક બંનેને જાણે છે.
No comments:
Post a Comment